ગુજરાતના ૧૨ જિલ્લાના ૨૬ ભાઈઓ અને ૧૨ બહેનોએ ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ તા.૨૮ રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. ૧૯/૦૫/૨૦૨૪ થી તા. ૨૮/૦૫/૨૦૨૪ દરમિયાન જુનાગઢ ખાતે યોજવામાં આવ્યો. જેમાં ૧૨ જિલ્લાના ૨૬ ભાઈઓ અને ૧૨ બહેનોએ ભાગ લીધો હતો.
આજ રોજ તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ના બેઝિક કોર્સના સમાપન કાર્યક્રમ ડી.એમ. જોષી, જિલ્લા ઉદ્યોગ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શાબ્દિક સ્વાગત અને શિબિરની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડએ આપી હતી. શિબીરાર્થી મોહિની ચીખલીયા, સુરેશકુમાર ચૌધરી, જાનવી શાહ, પાયલ ભટ્ટ એ તેમના શિબિરના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, આ શિબિરથી તેમનામાં ટીમ ભાવના, આત્મવિશ્વાસ અને સ્વયં શિસ્ત, મજબૂત મનોબળ, હકારાત્મક અભિગમ કેળવવા જોવા ગુણો આત્મસાત કર્યા હતા. આ સમાપન સમારોહના અધ્યક્ષ ડી.એમ. જોષી, જિલ્લા ઉદ્યોગ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢ, કે.પી. રાજપુત પૂર્વ આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા મા.આબુ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા. કાર્યક્રમના અધ્યક્ષ ડી.એમ. જોષીએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું, કે જીવનમાં રમત ગમત ક્ષેત્રનું મહત્વ અમુલ્ય છે, આ ઉપરાંત તેમણે પર્વતારોહણની તાલીમ જીવન ઘડતરમાં, જીવનમાં આવતા કપરા ઉતાર ચઢાવમાં ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને પોલીસ, આર્મી, ડિઝાસ્ટરના ક્ષેત્રે કારકિર્દી માટે આ તાલીમ ખૂબ ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શિબિરાર્થી હર્ષદ કુમાર એમ. મારવણીયાએ કર્યું હતુ. અંતમાં કાર્યક્રમની આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર ઉમંગ વેકરીયાએ કર્યો હતો.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ, વિમલ વાગડિયા, ઉમંગ વેકરીયા, જાગૃતિ ચાવડા ભાવનગરએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.










