તા.૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર ભાદરના સામાંકાઠા વિસ્તારમા રહેતા પરપ્રાંતિય પરિવારના બે બાળકો ગઈકાલે ઘર પાસે રમતા રમતા ભેદી સંજોગોમાં લાપત્તા થયા બાદ બન્ને મિત્રોની સાંજ સુધી શોધખોળ કરવા છતાં નહીં મળી આવતાં છ અને સાત વર્ષના બન્ને બાળકોનું અપહરણ થયાની આશંકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને સાડીના કારખાનામાં મજુરી કામ કરતાં મુળ બિહારના વતની ગીરજાભાઈ તેજબહાદુર ચૌધરી (ઉ.૪૯)એ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો છ વર્ષનો પુત્ર અજીત પાડોશમાં રહેતા મુનીબેન નજીમ મનસુરીના સાત વર્ષના પુત્ર સોહિલ સાથે ૨૯ તારીખે સાંજે રમવા માટે ગયો હતો. બન્ને મિત્રો ઘર પાસે રમતા રમતા ભેદી સંજોગોમાં લાપત્તા થઈ ગયા હતાં. રાત્રિના આઠ વાગ્યે બાળકો ઘરે નહીં આવતાં ફરિયાદીએ પોતાના બાળકની શોધખોળ કરી હતી. સૌપ્રથમ પાડોશીના ઘરે જઈને તપાસ કરતાં મુનીબેનનો પુત્ર સોહિલ પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું હતું.
બન્ને બાળકોની આખી રાત તપાસ કરવા છતાં નહીં મળી આવતાં અંતે ગઈકાલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરતાં બન્ને બાળકોના અપહરણ થયાની આશંકાએ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.








