
તા.૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને જેતપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમના આગલા દિવસે વોર્ડ નંબર ૭માં પંડ્યા સ્કૂલ ખાતે સ્થાનિક લોકોને વિવિધ સરકારી યોજના અને મળવાપાત્ર લાભ અંગે માહિતગાર કરાયા હતા. જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, તમામ પાત્ર નાગરિકો સુધી તમામ યોજનાના લાભો પહોંચે અને ગરીબી અને અભાવથી મુક્ત થઈ વિકાસની મુખ્ય ધારામાં સામેલ થાય તેવા શુભ હેતુથી આયોજિત આ યાત્રાનાં કાર્યક્રમમાં નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને પોતાના પરિચયમાં હોય તેવા પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ યાત્રામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના વગેરે અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામેગામ કાર્યક્રમોમાં સ્થળ પર જ વિવિધ યોજનાના સ્ટોલ પરથી યોજનાકીય લાભ તેમજ માર્ગદર્શન મેળવી અરજી કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.








