
તા.૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
20 દિવસમાં કાર્યવાહી ન થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી
જેતપુરમાં ચોમાસા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને વિવિધ માગો સાથે જેતપુર શહેર યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે. જેતપુર શહેર યુથ કોંગ્રેસના પ્રમુખે લખેલા પત્રમાં શહેરની લાઈટ, રોડ- રસ્તા અને પ્રિ-મોન્સૂનની કામગીરી જેમાં ભૂગર્ભ ગટર વગેરેને લઈને રજૂઆત કરવામાં આવી છે. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જેતપુર શહેર યુથ કોંગ્રેસના પ્રમુખે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી સોભાના ગાઠીયા સમાન જોવા મળી છે. જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટુ નામ ધરાવે છે, પરંતુ અહીં જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી ગણાય છે.
આ પત્રમાં સત્તાપક્ષ પર આક્ષેપ કરાયો છે કે, સતાપક્ષના ભૂતપૂર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે. ગાડીઓ સાથે જ રહેતા હોય છે. એટલે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહ્યું છે.
આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અંદાજીત એક વર્ષ પહેલાં જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને નવી લાઇટો બાબતે આવેદન આપવામાં આવ્યું હતું અને જવાબ પણ સારો મળ્યો હતો, પરંતુ કામ હજુ સુધી થયું નથી. આ પત્રમાં જેતપુર શહેરમાં આવેલા પછાત વિસ્તારોમાં રોડ-રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી.
શહેરના ભૂર્ગભ ગટરના ઢાંકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે. તેમજ ઢાંકણાઓની હાલત ખરાબ હોય છે, અથવા તો તૂટી ગયેલા હોય છે. તેની આજુ બાજુમાં મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે. જેથી વરસાદ દરમિયાન મધ્યમ વર્ગીય લોકોને ખૂબ મુશ્કેલી ભોગવી પડે છે. જેને લઈને મીડિયામાં અહેવાલો આવવા છતાં કોઈ ધ્યાને લેતું નથી. ત્યારે સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેવી સ્થિતિ છે. ત્યારે વહેલા તે પહેલાં ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે લખેલા આવેદનપત્રમાં રજુઆત સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, રજૂઆત અંગે 20 દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મંજૂરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે. આ ઉપરાંત ઘણા લોકો પછાતવર્ગના લોકાને કોઇપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય છે. ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવતા હોય છે. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યું છે. તે બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું








