
તા.૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મતદાતાઓએ ‘હું મતદાન કરીશ જ!’ તેવો ઉત્સાહ વ્યક્ત કરીને મતદાનની ખાતરી આપી
Rajkot, Dhoraji: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ મતદાનની નૈતિક ફરજ નિભાવવા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી જે. એન. લીખિયાના વડપણ હેઠળ ૫૦% કરતા ઓછું મતદાન થયેલું હોય તેમજ પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા મતદાન મથક વિસ્તારમાં મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.


જેના ભાગરૂપે ધોરાજી તાલુકાના ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર)શ્રી મારફતે મતદારોને મત આપવા માટે પ્રેરિત કરવા ચૂંટણીલક્ષી જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને મતદાનની પાત્રતા ધરાવતા પરિવારના તમામ સભ્યો અચૂક મતદાન કરે, તેવી અપીલ કરવામાં આવી હતી. આ તકે મતદાતાઓએ પણ ‘હું મતદાન કરીશ જ!’ તેવો ઉત્સાહ વ્યક્ત કરીને મતદાન કરવાની ખાતરી આપી હતી.









