
તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગઢડામાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું, લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ
Rajkot: લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડુંગરકા તથા ગઢડા ગામે આવી પહોંચ્યો હતો. અહીં પરંપરાગત રીતે આ રથના વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઢડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડુંગરકા ગામમાં આજે સંકલ્પ રથયાત્રા પહોંચી ત્યારે મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે લાભાર્થીઓને સ્વામિત્વ યોજના હેઠળ તૈયાર થયેલા પ્રોપર્ટી કાર્ડ તેમજ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાયું હતું. અન્ય લાભાર્થીને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ પણ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન તથા ઉન્નતિ અંગે લાભાર્થીશ્રી દીપકભાઈ લિંબાસિયાએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે સારી કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વતીશ્રી મુકેશભાઈ મુંગલપરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ મુછડિયા, વિસ્તરણ અધિકારીશ્રી કે.એસ. નિર્મળ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ઉર્મીબેન શેઠ, ઉપરાંત તાલુકા અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ ગજેરા, તરઘડી સરપંચશ્રી હિરેનભાઈ મોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








