GUJARATJETPURRAJKOT

પતિનું દેવું ઉતારવા પત્ની કિડની વેચવા હોસ્પિટલ પહોંચીઃ ૧૮૧ની ટીમે કર્યું કાઉન્સેલિંગ

તા.૧૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

દેવામાં ફસાયેલો પતિ આપઘાતનું વિચારવા લાગ્યો, ૧૮૧ની ટીમે પરિવારને સમજાવીને નવી આશા આપી

ગુજરાત સરકારે શરૂ કરેલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન અનેક પરિવારો માટે આશીર્વાદ, હિંમતનું કેન્દ્ર અને જીવન જીવવાની નવી આશાના પુંજ સમાન બની રહી છે. રાજકોટમાં દેવામાં ડૂબેલા પતિનું કરજ ઉતારવા કિડની વેચવા નીકળેલી મહિલા અને આપઘાતના વિચારોમાં ફસાયેલા પતિનું ૧૮૧ અભયમની ટીમે સફળ કાઉન્સેલિંગ કરીને જીવન જીવવાની નવી આશા અને હિંમત આપી હતી.

૧૬મી ઓગસ્ટના રોજ શહેરની એક હોસ્પિટલમાંથી ૧૮૧ અભયમની ટીમને હોસ્પિટલમાંથી ફોન દ્વારા જણાવાયું હતું કે, એક પીડિત બહેન આવ્યા છે અને પોતાની કિડની વેચવાનું જણાવે છે. આટલું સાંભળતા જ 181 રેસકોર્ષ ટીમના કાઉન્સેલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ પૂજાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ ટીમે પીડિતા બેનનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને મહિલાને કિડની વેચવા પાછળનું કારણ જણાવવા કહ્યું હતું. પીડિત મહિલાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, મારા પતિ અને મારા બે છોકરાઓ ઉપર ખૂબ દેવું થઈ ગયું છે. જેથી અમારા ઘરમાં રોજના ઝઘડા થાય છે અને મારા પતિ ખૂબ જ ટેન્શનમાં રહે છે અને આત્મહત્યા કરવાનું વિચારે છે. તેથી હું એક પત્ની તરીકે મારા પતિની મદદ કરવા માગું છું અને હું મારી એક કિડની વેચીને મારા પતિનું દુઃખ હળવું કરવા માગું છું.

૧૮૧ ટીમે પીડિત મહિલાને સમજાવી હતી કે, તમે આ કિડની વેચવાની વાત તમારા પતિ અને છોકરાઓને જાણ કરી છે? તો પીડિત મહિલાએ ના પાડી હતી. મહિલાએ કહ્યું હતું કે, દેવું થવાથી કોઈને પણ આત્મહત્યા કરવી જોઈએ નહીં અને કિડની વેચવાનો વિચાર યોગ્ય નથી. તમારા બંને છોકરાઓ ૧૮ વર્ષ ઉપરના છે તો તે લોકો પણ કામકાજ કરવા માટે જઈ શકે છે અને તમે પણ નાના-મોટા કામ કરીને પૈસા કમાઈ શકો છો. નાના મોટા દેવા માટે તમારા જીવનને જોખમમાં નાખીને કિડની વેચવી જોઈએ નહીં.

ત્યાર બાદ મહિલાના પતિનો ફોનથી સંપર્ક કરીને હોસ્પિટલ બોલાવ્યા હતા. ૧૮૧ની ટીમે તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓએ ઓનલાઇન હોમ ક્રેડિટની લોન લીધેલી. જેના હપ્તા ન ભરવાથી પેનલ્ટી આવેલી અને એમના ઘરે નોટિસ પણ આવેલી. તેથી આગળ તેમને શું કરવું તે સમજાતું ન હતું.

વિગતો જાણી ૧૮૧ની ટીમે તેમને સમજાવ્યા હતા કે, તમે આત્મહત્યાના વિચાર કરશો તો તમારા પત્ની અને તમારા છોકરાઓ પર વધારે ખરાબ અસર થશે અને તમે આવી રીતના મનથી હારી જશો તો તમારા પત્ની અને તમારા બાળકો પણ હતાશ થઈ જશે. તેથી ઘરના બધા સભ્ય જો મહેનત કરી કમાવાનું શરુ કરી દેશો તો તમારા ઘરનું દેવું જલ્દી ખતમ થઈ જશે.

આખરે કાઉન્સેલિંગથી પરિવારમાં નવી આશા અને હિંમત આવી હતી અને પરિવારે ૧૮૧ ટીમનો દિલથી આભાર માન્યો હતો અને હવે પછી કોઈ દિવસ કોઈ આત્મહત્યાના વિચાર નહિ કરે અને આવી રીતે કિડની વેચવા માટે પણ નહીં વિચારે તેવી ખાતરી આપી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button