
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સને ૧૯૮૭ થી દર વર્ષે ૩૧ મે ના દિવસને આંતર રાષ્ટ્રીય સ્તરે ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે. વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર ( DLSA ) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ( PLV ) શ્રી અનિલ કક્કડના પ્રયાસો થકી લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવા, તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવા, ઉત્પાદકોની તમાકુની ભ્રામક જાહેરાતો અને તેના આકર્ષક પ્રચાર થી સાવચેત કરવાના ઉદ્દેશથી તારીખ ૩૦ મે ના રોજ મધ્યસ્થ ગ્રંથાલય, સેક્ટર ૧૭, ગાંધીનગર ખાતે સંસ્થાના વડા ડૉ. પંકજ ગોસ્વામી, નિયામક શ્રી, મધ્યસ્થ ગ્રંથાલય, ગુજરાત રાજ્યના સૌજન્ય અને નેતૃત્વ હેઠળ એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમા મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડએ જણાવ્યુ હતુ કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે કોઈને કોઈ થીમ પર ઉજવવામાં આવે છે. સને ૨૦૨૩ના વર્ષ માટે “ આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં “ થીમ નક્કી થયેલ છે. વિશ્વના ૧૨૪ દેશોમા અત્યારે તમાકુની ખેતી થાય છે. જેમા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગના કારણે દર વર્ષે ૨૦ લાખ હેકટર જમીન રણ વિસ્તારમા ફેરવાઇ રહી છે. વિશ્વના તમામ દેશો જો તમાકુની ખેતી માટે અપાતી સબસીડી બંધ કરી આ જ રકમ ખેડુતોના વિકાસ અને કલ્યાણ પાછળ ફાળવી ફાજલ જમીનમા અનાજ ઉગાડવા ખેડુતોને સમજાવવા પ્રયાસો કરે તો વિશ્વના ગરીબ દેશોની ભુખમરાની સમસ્યા નીવારી શકાય.
તમાકુમાં નિકોટિન નામનો ઝેરી પદાર્થ જોવા મળે છે તેના ઘાતક પરિણામો વિશે પણ જાગૃતતા લાવવી જરૂરી છે. પાન, બીડી, ગુટકા, મસાલા, સીગારેટ, ચલમ, છિંકણી જેવા તમાકુ યુક્ત બનાવટોના વ્યસનોના કારણે શરીરના જુદા જુદા અવયવો જેવા કે ફેફસા, લીવર, હાર્ટરોગ, મગજ, કેન્સર જેવા જીવલેણ રોગો કઇ રીતે થાય છે અને તેની આંતરિક રીતે થતી હાનિકારક આડ અસરોની ખુબ જ ઝીણવટ પૂર્વક વૈજ્ઞાનિક કારણો આપી, અસરકારક અને સચોટ ભાષામા શ્રી કક્કડએ વિગતવાર સમજ આપી હતી. આ વિષય ઉપર સ્રરકારના પ્રવર્તમાન કાયદા COTP Act 2003 ના નોંધપાત્ર ફાયદાઓની પણ ચર્ચાઓ કરવામા આવી હતી. કાર્યક્રમ વધારે પરિણામલક્ષી અને સાકારત્મક બનાવવા માટે અંતમા “ જીવનને ‘હા’ કહો, તમાકુને ‘ના’ કહો, છોડો તમાકુની આશા, રાખો સુંદર જીવનની આશા, તમાકુ છોડો, જીવન સાથે સંબંધ જોડો “ તેવા સર્વે દ્વારા સુત્રોચ્ચાર પણ કરવામા આવ્યા હતા.










