
તલાટી કમ મંત્રી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ એટલે કે 27મી એપ્રિલથી પરીક્ષા માટે કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે.
તમને જણાવી દઈએ કે, તલાટી કમ મંત્રીની ભરતીમાં 23 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા જે બાદ 17 લાખ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જોકે, આટલા બધા પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવાનો પ્રશ્ન સરકાર માટે માથાનો દુખાવો બન્યો હતો જેના પગલે સરકારે સંમતિ પત્રક ભરાવ્યું હતું જેમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે સંમતિ પત્રક ભર્યું હતું એટલે કે, 50 ટકા લોકો જ પરીક્ષા આપવા માટે રસ દાખવ્યો હતો.
આ અગાઉ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે લોકોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ પરીક્ષા માટે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે. જે લોકોએ સંમતિ પત્રક ભર્યું નથી તેમને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.