તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા શારીરિક અને માનસિક દિવ્યાંગ બાળકો માટે પ્રદેશ કક્ષાના ઉમંગ ઉત્સવની સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. જેમાં વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, સમુહગીત, એકાંકી, લોકનૃત્ય, રાસ, ગરબાની સ્પર્ધાઓ યોજાશે.
ઉમંગ ઉત્સવ સ્પર્ધામાં ૦૭ થી ૧૨ વર્ષ સુધીના શારીરિક દિવ્યાંગ બાળકો તથા ૦૭ થી ૧૫ વર્ષ સુધીના મંદબુદ્ધિના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા કલાકાર ભાઇઓ, બહેનો અને સંસ્થાઓએ એન્ટ્રીના ફોર્મ ભરી સાથે જન્મના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ સાથે તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૭/૨ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ શહેર ખાતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦૨૮૧- ૨૪૪૨૩૬૨ પર સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દીહોરાની યાદીમાં જણાવાયું છે.








