Rajkot: વિંછિયા તાલુકાના સંવેદનશીલ મથકોમાં બી.એસ.એફ. દ્વારા યોજાઈ ફ્લેગમાર્ચ

તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે નાગરિકોને કરાવાઈ ચુસ્ત સુરક્ષાની ખાતરી
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય અને નાગરિકો નિર્ભિક રીતે મતદાન કરી શકે તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થા ચુસ્ત રીતે જાળવવામાં આવી રહી છે. આ સાથે તેમના નિર્દેશ મુજબ, જિલ્લામાં ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકોવાળા વિસ્તારોમાં હથિયારધારી સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે, તેમજ આ જવાનો દ્વારા ફ્લેગ માર્ગ યોજવામાં આવી રહી છે.

જે મુજબ, આજે પહેલી મેના રોજ વિંછીયા તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોવાળા ગામોમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની ફ્લેગમાર્ગ યોજવામાં આવી હતી. વિંછિયાના મામલતદારશ્રી સાથે મોઢુકા, આંકડીયા, પાટીયાળી વગેરે ગામોમાં હથિયારધારી જવાનોએ ફ્લેગમાર્ચ યોજી હતી અને નાગરિકોને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરાવી હતી.

આ સાથે આજે રાત સુધીમાં વેરાવળ, કંધેવાળિયા, જનડા, વિંછિયા, ઓરી, મોટી લાખાવડ, મોટામાત્રા, મોટા હડમતીયા, ખારેચીયા, અમરાપર, કોટડા સહિતના ગામોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવશે.








