GONDALGUJARATRAJKOT

Gondal: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ “દીકરી ગામ” પાટીદડની બાલિકા પંચાયત સાથે કર્યો સંવાદ

તા.૫/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“દીકરી ગામ” રાજ્યનું એકમાત્ર એવું ગામ, જ્યાં ઘરો ઉપર દીકરીઓની ૧૦૦ ટકા નેઇમપ્લેટ લાગી

Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર કરાયું છે. આ તકે ગામની સમરસ બાલિકા પંચાયતના સરપંચ કુમારી જલ્પા અઘેરાએ ગામમાં દીકરીના શિક્ષણ, કૂપોષણ, આરોગ્ય સહિત પ્રશ્ને લોકોમાં જાગૃતિ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. “દીકરી ગામ” તકતીના અનાવરણ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ બાલિકા પંચાયત સાથે સંવાદ કર્યો હતો અને બાલિકા પંચાયતની વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી. “દીકરી ગામ” રાજ્યનું એક માત્ર એવું ગામ, જ્યાં દીકરીઓ છે તેવા તમામ ઘરની બહાર દીકરીની નેઇમ પ્લેટ લાગી છે.

પાટીદડ ગામને “દીકરી ગામ” તરીકે જાહેર કરાયું છે, ત્યારે ગામમાં કુલ ૧૦ સભ્યોની સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે કુમારી જલ્પા અઘેરા, ઉપસરપંચ કુ. શ્રેયા ખાચર, પંચાયતના વિવિધ વોર્ડના સભ્યો તરીકે કુ.સુહાની ચૌહાણ, કુ.યશ્વી લીલા, કુ. ગોપી ચૌહાણ, કુ.ઈશિતા મકવાણા, કુ.દર્શિતા મકવાણા, કુ. ધ્રૂવી પરમાર, કુ. બ્રિન્દા ખાચર, કુ. કૃપાણી મકવાણાની વરણી કરવામાં આવી છે.

આ પ્રસંગે બાલિકા સરપંચ કુ. જલ્પા અઘેરાએ પોતાની ટીમ સાથે જણાવ્યું હતું કે, બાલિકા પંચાયત ગામમાં દીકરીઓ તથા મહિલા સશક્તિકરણને લગતા વિવિધ પ્રશ્નો-કાર્યક્રમો માટે કામ કરશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે વાલીઓમાં જાગૃતિ લાવવા પર તેમણે ભાર મુક્યો હતો. ઉપરાંત આરોગ્ય-કૂપોષણ, સ્વચ્છતા તેમજ દીકરી-મહિલાઓને લગતા અન્ય પ્રશ્નો અંગે ગ્રામ પંચાયત તથા વહીવટી તંત્ર સાથે રહીને ઉકેલવા તત્પર રહેવાની ખાતરી પણ આપી હતી. સરકારની વિવિધ યોજનાઓ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા અંગે બાલિકા પંચાયતની ટીમ સક્રિય રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે અપાવ્યો હતો.

મહત્વનું છે કે, બાલિકા પંચાયત ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે વધે તે સુનિશ્ચિત કરશે. આ ગામમાં સમરસ બાલિકા પંચાયતની સાથે વિલેજ ટાસ્ક ફોર્સ કમિટીનું પણ ગઠબંઘન કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી અવની દવેએ જણાવ્યું હતું કે, બેટી બચાવો બેટી પઢાવો તેમજ મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવાની નવતર પહેલના ભાગરૂપે પાટીદડ ગામ “દીકરી ગામ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. રાજ્યનું આ એકમાત્ર એવું ગામ છે, જ્યાં જેમના ઘરે દીકરી છે, ત્યાં દીકરીના નામની પ્લેટ ઘરની બહાર લગાવવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં મહિલા સશક્તિરણને પ્રોત્સાહન આપવાના હેતુસર અગાઉ કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના મસ્કા ગામમાં ઘર પર દીકરીઓ-વહૂઓના નામની પ્લેટ લગાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કચ્છના કુનરિયા ગામમાં પણ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.

જો કે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી અવની દવે કહે છે કે, ગામમાં જેમના ઘરે દીકરી છે એવા તમામ ઘરો બહાર દીકરીની નેમપ્લેટ ૧૦૦ ટકા લાગી હોય તથા “દીકરી ગામ” તરીકે ઘોષિત થયું હોય તેવું પાટીદડ રાજ્યનું પ્રથમ ગામ છે.

[wptube id="1252022"]
Back to top button