
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને મતદાતાઓને જાગૃત કરવામાં સહભાગી બનતા પ્રાથમિક શાળા નં. – ૯૧ના વિદ્યાર્થીઓ
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૬૯ – રાજકોટ પશ્વિમ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાન મથકો કે જ્યાં ૫૦% કરતા ઓછું મતદાન થયેલું હોય અને પુરૂષ-સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેતો હોય તેવા વિસ્તારમાં મતદાન વધારવા માટે અને મતદાનનું મહત્વ સમજાવવા બાબતે સ્વીપ નોડલ અધિકારીશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


જે અન્વયે મતદાર નોંધણી અધિકારી અને આસીસ્ટન્ટ કલેક્ટરશ્રી – રાજકોટ શહેર-૨ નિશા ચૌધરીના અધ્યક્ષસ્થાને રૈયાધાર વિસ્તારમાં આવેલી ડો. ઝાકીરહુસેન પ્રાથમિક શાળા નં. – ૯૧ ખાતે ‘ચુનાવી પાઠશાલા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થીઓ દ્વારા “મતદાન અને તેનું મહત્વ” એ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઈને અવનવા રંગીન ચિત્રો દોર્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ૬૯ – રાજકોટ પશ્વિમ વિધાનસભા મતદાર વિભાગ તરફથી ચિત્ર સ્પર્ધા માટે જરૂરી સ્ટેશનરી, ડ્રોઈંગ પેપર્સ તથા કલર્સ પૂરા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આસીસ્ટન્ટ કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.


મતદાર નોંધણી અધિકારીશ્રી નિશા ચૌધરી તથા મામલતદારશ્રી – રાજકોટ શહેર પશ્વિમ એમ.ડી.શુક્લ દ્વારા વિદ્યાર્થીઓને મતદાનના મહત્વની સમજુતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમના વિસ્તારમાં રહેતા સગા-સંબંધીઓ, વડીલો તથા ૧૮ વર્ષથી વધુ વયના તમામ મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે, તે બાબતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી આર.ડી.જાડેજા, ક્લાર્કશ્રી વી.બી.આંબલીયા અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.








