લોકસભા ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકાર CAA પર લેશે મોટો નિર્ણય !!!
નાગરિકતા સંશોધન કાયદો (CAA) આગામી માર્ચ મહિનાથી લાગુ કરવાની તૈયારી

નાગરિકતા સંશોધન કાયદો (CAA) આગામી માર્ચ મહિનાથી લાગુ કરવાની તૈયારી છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીનું એલાન થવાનું છે. તેવામાં કેન્દ્ર સરકાર આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ તેને લાગૂ કરવાનો નિર્ણય લેવા જઈ રહી છે. તેનાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ઉત્પીડનનો શિકાર થઈને ભારતમાં શરણ લેનારા હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોને ફાયદો મળશે. આ નિયમ હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના લોકો અલ્પસંખ્યક છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો દાયકાઓથી પલાયન કરીને ભારત આવતા રહે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ લાખોની આ વસ્તીની પાસે ભારતની નાગરિકતા નથી. જેને લઈને તેમને મૂળભૂત સુવિધાઓ નથી મળી શકતી. તેવામાં આ કાયદો લાગુ થયા બાદ લોકોને નાગરિકતા મળશે તો મત આપવા સહિત તમામ વસ્તુઓની સુવિધા થઈ જશે. આ કાયદો સંસદથી મંજૂર થઈ ચૂક્યો છે, જેને હવે લાગુ કરાશે.
જણાવી દઈએ કે, દિલ્હી સહિત કેટલાક રાજ્યો આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવતા તેમના વિરૂદ્ધ હિંસક પ્રદર્શન થયું હતું. જોકે, સરકારનું કહેવું છે કે, આ કાયદો કોઈ ધર્મ વિશેષ વિરૂદ્ધ નથી. સરકારનું કહેવું છે કે, તેનાથી માત્ર પાડોશી દેશોમાં પીડિત અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે, જેની સ્વાભાવિક શરણસ્થળ ભારત જ છે.
તેનું કારણ એ છે કે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોની શરૂઆત ભારતથી જ થઈ હતી અને ક્યાંય પણ આ ધર્મોના લોકો પીડિત હોય તો ભારત તરફ જુએ છે. તેવામાં તેમને રાહત આપવા માટે આ કાયદો લવાયો છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ કોઈની નાગરિકતા નહીં જાય પરંતુ તે શરણાર્થિઓને નાગરિકતા મળશે, જે બીજા દેશોથી પીડિત થઈને આવ્યા છે.










