
લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ સાથે ‘મતદાન જરૂર કરીએ‘ના સંદેશ સાથેનો સ્ટેમ્પ બનાવાયો : જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને અપાતા દસ્તાવેજોમાં મતદાન જાગૃતિ માટે લગાવાતો સ્ટેમ્પ
મતદાન જાગૃતિ અભિયાનને વ્યાપક બનાવશે, ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
જૂનાગઢ તા.૨૯ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે, અચૂક મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળી રહે તે માટે ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથે એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે, જે જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પની સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર સહભાગી બને તે માટે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ખાસ કરીને આ લોકસભા ચૂંટણીમાં એક નવતર અભિગમ સાથે દરેક લોકો તા.૭મી મે મતદાન કરવાનું ચૂકે નહીં તે માટે ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ આપતો એક સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. જે નાગરિકોની અરજીના અનુસંધાને અપાતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરેમાં લગાવવામાં આવશે. આમ, આ સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે.
ઉપરાંત તેમણે જણાવ્યું કે, મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવશે, જેમાં ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શેરી નાટક, સેમિનાર, અચૂક મતદાન કરવા માટે શપથ, સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે, મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન વગેરે રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બોક્સ-૧
ઉપરકોટ કિલ્લાની અને સક્કરબાગની પ્રવેશ ટિકિટ પર પણ ‘મતદાન જરૂરી કરીએ‘નો સંદેશ
૧૩- જૂનાગઢ લોકસભા બેઠક માટે તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફી ની રસીદ પર પણ ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, ઉપરાંત સક્કરબાગ ઝૂની પ્રવેશ ટિકિટ પર પણ આ રીતે સ્ટેમ્પ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, ઉપરકોટ કિલ્લાની અને સક્કરબાગ ઝૂની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.
બોક્સ-૨
ડોક્ટરના સ્પ્રિસ્ક્રિપ્સન પર પણ મતદાન જાગૃતિનો સંદેશ જોવા મળશે
સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જૂનગાઢ જિલ્લાના ડોકટર એસોસિએશનના પ્રમુખશ્રી ડો.શૈલેષ એચ. બારમેડાને મતદાન જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે લોકસભા મતદાનની તારીખ અને ‘મતદાન જરૂર કરીએ’ દર્શાવતો સિક્કો અર્પિત કર્યો હતો. આમ, આ સિક્કો ડો. બારમેડાના સ્પ્રિસ્ક્રિપ્સન પર લગાવવામાં આવશે. જેથી મતદાન જાગૃતિના સંદેશનો વ્યાપ વધશે. આ પ્રસંગે ડો. બારમેડાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના મતદાન જાગૃતિ માટેના અભિગમની સરાહના કરી હતી. તેમણે રક્તદાન, ચક્ષુદાન, અંગદાન સાથે મતદાન પણ મહાદાન છે. તેમ જણાવતા આ અભિયાનમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.










