Dwarka : નગરપાલિકા ટાઉન હોલ ખાતે ખંભાળિયા તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો

ભાણવડમાં એ. પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો
***
ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેક્નોલોજી તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકામાં તા. ર૪ તથા ૨૫મી નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં આજરોજ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં ખંભાળિયા તાલુકાનો કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. તેમજ ભાણવડ તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ખાતે યોજાયો હતો.
રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. ધાનાણી દ્વારા શ્રી અન્નના ફાયદા તેમજ શ્રી અન્નને આપનાવી રોગમુક્ત થઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પી.બી. પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજીત આ રવિ કૃષિ મહોત્સવના મુખ્ય આકર્ષણો કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, સરદાર પટેલ કૃષિ સંશોધન / બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય કેમ્પ, સેવા સેતુ તેમજ સહકારી પ્રવૃત્તિની રૂપરેખા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. ધાનાણી દ્વારા ખંભાળિયા તાલુકાના રામનગરના જાગૃતિબેન કણઝારીયાને તાલુકા કક્ષા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ (પશુપાલન)”થી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરીપત્રો, સહાય હુકમોના વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, અગ્રણીશ્રી ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, મામલતદારશ્રી વિક્રમ વરૂ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.વી. શેરઠીયા તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.