NATIONAL

Rape : ડિલીવરી બોયે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

નોઇડામાં 23 વર્ષીય ડિલીવરી બોય તરીકે કામ કરતા યુવકે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. ગ્રેટર નોઇડા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ એક મોબાઇલ એપ વડે કરિયાણું મંગાવ્યું હતું. એપ દ્વારા ઓર્ડર ડિલીવર કરવા માટે સુમિત સિંહ નામના ડિલીવરી પાર્ટનરને મોકલવામાં આવ્યો હતો. જ્યારે તે કરિયાણું આપવા માટે લોકેશન પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે આ મહિલા ઘરે એકલી છે, એ પછી તેણે ઘરમાં ઘુસીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને તે પછી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો.

શુક્રવારે બનેલી આ ઘટનામાં મહિલાએ તે જ દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ઘણી ટીમ બનાવી હતી, કડક કામગીરી બાદ ગ્રેટર નોઇડા ખાતેના જ એક રહેણાંક વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની ટીમ જ્યારે તેની ધરપકડ કરવા માટે સ્થળ પર પહોંચી હતી ત્યારે તે કોન્સ્ટેબલ ભરત સિંહની પિસ્ટલ છીનવીને ભાગી જવામાં સફળ રહ્યો. એ પછી તેણે પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યુ, પોલીસે તેના ફાયરિંગના જવાબમાં જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે આરોપીના પગમાં ગોળી વાગી ગઇ.

પોલીસે દુષ્કર્મ આરોપીની અટકાયત કરી લીધી છે. ગોળી વાગવાને પગલે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે કરેલી આરોપીની તપાસમાં એ વિગતો પણ બહાર આવી છે કે તેણે ભૂતકાળમાં ગેરકાયદે દારૂ વેચ્યો હતો. સમગ્ર મામલે આરોપીની સારવાર બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button