
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ડેન્ગ્યુ,મેલેરિયા,ચીકુનગુનિયા વેગેરે જેવા વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાતા હોય છે રાજ્ય કક્ષાની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી .દર વર્ષની જેમ આ વર્ષે ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ (Theme) “Harness Partnership to defeat dengue” હતી.
દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને અટકાયત માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી સાથે સાથે જનસમુદાયમાં વાહકજન્ય રોગચાળો અટકાવવા અંગે જાગૃતતા આવે તે માટે જૂથ ચર્ચા, લઘુ શિબિર, ગુરુ શિબિર, પત્રિકા વિતરણ, બેનર, સ્ટીકર દ્વારા આઈ.ઈ.સી.કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને અટકાયત કામગીરીના સર્વેલન્સ દરમ્યાન મચ્છર ઉત્પતી સ્થાનો ધરાવતા પાણીના પાત્રોના નિકાલ કરવામાં આવેલ તથા આજ રોજ “ડ્રાય ડે” તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન મચ્છર ઉત્પતી સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના ફુવારા, ફીઝ/એસી/કુલરની ટ્રે, ફૂલઝાડ તથા પક્ષીઓના પીવાના કુંડા, અગાસી અને બંધિયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્રાવણ તેમજ ડ્રાયફ્લુબેયરોન દ્રાવણનો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતી અટકાવવામાં આવી છે. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એમ.એન ભંડેરીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો.એમ.ડી.જેઠવાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.









