મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આંતરરાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા સ્ત્રીઓના માસિક ચક્ર અને માસિક સ્ત્રાવ સમય દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગેની સમજ અપાઇ
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
તા. ૨૮ મે ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી કરવાનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્ત્રાવનાં સમય દરમિયાન ક્યા પ્રકારની કાળજી રાખવી તે અંગે જાગૃતતા લાવવાનો છે. ખાસ કરીને માસિક સ્ત્રાવ અંગે લોકોમાં રહેલી ગેરસમજ, અમુક પ્રકારની રૂઢિઓ અને શિક્ષણના અભાવના કારણે મહિલાઓ સાથે આ સમય દરમિયાન કેટલાક ભેદભાવો રાખવામાં આવે છે, આ બાબતે સમાજમાં જાગૃતિ આવે તે ઉમદા આશયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આઇસીડીએસ વિભાગ, જનરલ હોસ્પિટલ ખંભાળીયા તથા નાયરા કંપનીના પ્રોજેક્ટ તુષ્ટિની ટીમ સાથે સંકલન કરી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ હોસ્પિટલ ખંભાળિયાના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ક્રિષ્ના દ્વારા સ્ત્રીઓના માસિક ચક્ર વિશે અને માસિક સ્ત્રાવ સમય દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને શું શું કાળજી રાખવી? તથા પોષણયુક્ત ખોરાક વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલ કિશોરીઓનાં બી.એમ.આઈ. અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી તથા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ત્યાં હાજર રહેલ કિશોરીઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી અને સેન્ટરની કામગીરીથી કિશોરીઓને અવગત કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, સખી વન સ્ટૉપ સેન્ટર,પ્રોજેક્ટ તુષ્ટિ કર્મચારીઓ આઇસીડીએસ ના કર્મચારીઓ જનરલ હોસ્પિટલ ખંભાળિયાના ડોક્ટરો અને કર્મચારીઓ તથા આંગણવાડીમાં નોંધાયેલ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.