દેવભૂમિ દ્વારકા જિલ્લા જેલનું ખંભાળિયા ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

રૂ.૫૧ કરોડથી વધુના ખર્ચે બનનાર જિલ્લા જેલમાં ૪૪૦ થી વધુ પુરુષ કેદી અને ૬૦ મહિલા કેદી અને ભવિષ્યમાં ૧૦૦૦ કેદી ને સમાવી શકાય તે રીતે વ્યવસ્થા કરાશે
૦૦૦
માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થયા પછી જિલ્લામાં જિલ્લા જેલની આવશ્યકતા હતી. રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ દાખવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા જેલ મંજૂર કરતા આજે વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે અંદાજે રૂપિયા ૫૧ કરોડનાં ખર્ચે જિલ્લા જેલના રહેણાંક અને બિન રહેણાંક આવાસો જેલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા ખાતે રામનગર વિસ્તારમાં 1.23 લાખ ચોરસ મીટર જગ્યા જીલ્લા જેલ માટે ફાળવવામાં આવી છે. રૂ. 51 કરોડના ખર્ચે જિલ્લા જેલ અને આવાસો મળી જેલ બિલ્ડીંગ અને સ્ટાફ આવાસોનું નિર્માણ થશે. આ સાથે સ્ટાફ કવાર્ટર પણ બનાવવાનું આયોજન છે. જેમાં બી ટાઈપના 36, સી ટાઈપના 12 અને ડી ટાઈપના ૨ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. હાલ ૪૪૦ કેદી ને સમાવી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં ૧૦૦૦ કેદી સમાઈ શકે તે રીતનું આયોજન છે. ૬૦ મહિલા કેદીને પણ સમાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા એ જણાવ્યું હતું કે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા એક પછી એક નવા વિકાસ કામો નું નિર્માણ થઈ રહ્યું જિલ્લામાં લોક સુવિધાઓ વધારવામાં આવી રહી છે .જિલ્લામાં જિલ્લા જેલની જરૂરિયાત હતી.ખંભાળિયામાં જિલ્લા જેલ બનતા જામનગર ખાતેથી કેદી ને લાવવાનું આર્થિક ભારણ ઘટશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ પોલીસ આવાસ નિગમના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ અને જિલ્લાના અગ્રણીઓ ખાતમુહુર્તમાં ઉપસ્થિત રહ્યા હતા.