
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૮/૦૭/૨૦૨૩
ભરૂચ : પ્રચાન પરંપરાઓને જીવંત રાખવી એ ભવ્ય ભરૂચ આગવી ઓળખ બની છે ત્યારે ભરૂચમાં વસતા ભોઈ(જાદવ) સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્વસની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થનાર છે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેધરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કહેવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.
*મેઘ મહોત્સવ સાથે પ્રાચીન કાળની દંતકથા જોડાયેલી છે.*
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભોઈ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિન કાળની દંતકથા વર્ણાયેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઈ જાતિ(જાદવ જ્ઞાતિ)ફુરજા બંદર દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતાં હતાં. જળાધિદેવ મેઘરાજાના પુજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી.
આ દંતકથામાં છપ્પનિયા દુકાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજ ૨૫૦ વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પુજન કરાયું હતું. ભોઈ સમાજના વડવાઓએ જો જળદેવતા પૃથ્વી ઉપર મહેબાન નહી થાય તો મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે સાથે અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસ રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામા આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ મહેરામણ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિરૂપે ઉજવવામાં આવે છે.આ મેળો મેઘમેળો કે મેઘરાજનો મેળો તરીકે ઓળખાય છે.તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જન કરી કરવામાં આવે છે.








