
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે મૌસમે મિજાજ બગાડ્યો છે.ડાંગ જિલ્લામાં ઋતુચક્રમાં ફેરફાર આવતા જનજીવન વિમાસણમાં મુકાયુ છે. ડાંગ જિલ્લામાં ભરઉનાળે પણ વરસાદ પડતા વાતાવરણ દ્વિભાસી પ્રતીત થઈ રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ,આહવા,ચીંચલી,સુબિર, બરડીપાડા,વઘઇ, ભેંસકાતરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં આજરોજ વહેલી સવારે અને બપોરનાં અરસામાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોનાં શાકભાજી,કઠોળ સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થતાં ડાંગી ખેડૂતોને પડતા પર પાટુ લાગ્યું છે. ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયુ વાતાવરણ તો ક્યારેક કમોસમી વરસાદનાં છાટા પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. હાલમાં ઉનાળા વેકેશન પણ ચાલુ હોય અને ગિરિમથક સાપુતારા ખાતે દ્વિભાસી વાતાવરણ સર્જાતા પ્રવાસીઓમાં આનંદ બેવડાયો હતો…





