AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગતરોજથી ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયો છે.ડાંગ જિલ્લામાં આજરોજ સતત બીજા દિવસે ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા સ્વરૂપેનાં વરસાદની હેલીઓ યથાવત રહેતા સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ સહિત સરહદીય વિસ્તારમાં દિવસ દરમ્યાન ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.જ્યારે આહવા અને વઘઇ પંથકનાં ગામડાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં પણ મંગળવારે મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ગામડાઓનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડતા ડાંગી ખેડૂતો વિવિધ પાકોનાં બિયારણને લઈ ખેતરોમાં ઓરવા માટે જોતરાઈ ગયા હતા.રાજ્યનાં પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પણ આજરોજ દિવસ દરમ્યાન ધોધમાર વરસાદની સાથે ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણમાં જોવાલાયક સ્થળો મહેકી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓએ મીની કાશ્મીરની અનુભૂતિ કરી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા પંથકમાં 07 મિમી,વઘઇ પંથકમાં 09 મિમી,સુબિર પંથકમાં 21 મિમી ,જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 49 મિમી અર્થાત 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

[wptube id="1252022"]
Back to top button