
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોટીયામાળ ગામે પતિનાં આડા સંબધને લઈને થયેલ ઝપાઝપીમાં પત્ની ઇજાગ્રસ્ત બનતા પત્નીએ પતિ સહીત જેઠ તેમજ વો નામની યુવતી સામે ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો દાખલ કર્યો..
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાધાબેન રાજુભાઈ ચૌહાણ રે.ગોટિયામાળ જેઓ મોટી બહેનનાં દીકરા કિરણભાઈ જોડે ઔષધી લેવા માટે વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગયા હતા.જ્યારે તેણીનો પતિ બોલેરો જીપ લઈ આહવા કામ અર્થે ગયો હતો.રાધાબેન ચૌહાણ અને મોટી બહેનનો દીકરો બોન્ડારમાળ ગામેથી ઔષધી લઈ પરત ગોટીયામાળ ગામે આવતા હતા.તે દરમ્યાન સોનુનીયા ગુંદીયા ગામની વચ્ચે રાનપાડા ફાટક નજીક પતિ રાજુભાઈ ચૌહાણની બોલેરો જીપ ઉભી જોવા મળી હતી.જેથી પત્ની રાધાબેને મોટરસાયકલ ઉભી રખાવી બોલેરો જીપ પાસે જતા જીપમાં કોઈ દેખાયુ ન હતુ.બોલેરો જીપ જ્યાં ઉભી હતી ત્યાંથી થોડે દુર એક કાચી ઝુંપડીમાં પત્નીએ જઈ જોતા તેનો પતિ રાજુભાઈ ચૌહાણ અન્ય યુવતી સાથે રાસલીલા માણતો જોવા મળ્યો હતો.પત્નીને જોઈને પતિ યુવતીને લઈ ભાગવા લાગ્યા હતા.પરંતુ પત્નીએ પતિ અને વો નામની યુવતીને પકડી પાડતા સ્થળ પર ઝપાઝપી થઈ હતી.અહી પતિ રાજુ ચૌહાણે તથા યુવતી રીટાબેન ગાંગુર્ડેએ રાધાબેન તથા કિરણભાઈને માર મારી રાધાબેનનું ગળામાનું મંગળસૂત્ર તોડી નાખ્યુ હતુ.અને પતિ યુવતી સાથે ગામ ગોટીયામાળ જતો રહ્યો હતો જ્યાં જેઠ ભાસ્કરભાઈ ચૌહાણે પણ રાધાબેન ચૌહાણ સાથે ધક્કા મૂકી કરી ગાળો ભાંડી ઈજા પોહચાડી હતી.હાલમાં ફરિયાદી પત્ની રાધાબેન ચૌહાણે પતિ રાજુભાઈ પાંડુરંગ ચૌહાણ, વો નામની યુવતી રીટાબેન વિઠ્ઠલભાઈ ગાંગુર્ડે તથા જેઠ ભાસ્કરભાઈ પાંડુરંગ ચૌહાણ વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…





