
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લા યુવક કૉંગ્રેસ સમિતિ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં પડતી અગવડોને લઈને અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ….
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં યુવક કૉંગ્રેસ સમિતિએ અધિક કલેકટર ડાંગને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરતા જણાવ્યુ હતુ કે આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાઓને છેલ્લા ઘણા સમયથી ડિલિવરી અને સોનોગ્રાફીનાં કેસોમાં ઘણી અગવડતા અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે.જેના લીધે ડાંગ જિલ્લાનાં આદિવાસી ગરીબ, અને પછાત મહિલાઓને આરોગ્ય બાબતે ઘણી તકલીફો ભોગવવાની નોબત ઉઠી છે.અત્રેનાં જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ આહવા ખાતે આવેલ સોનોગ્રાફી વિભાગમાં જે ડોક્ટર બોલાવવામાં આવે છે તે માત્ર હંગામી ધોરણે બોલાવવામાં આવે છે.અને તે પણ અમુક અઠવાડિયામાં તો આવતા પણ નથી.જેના લીધે મહિલાઓ અને સગર્ભા અને ડિલિવરી માટે સગર્ભા માતાઓને સવારેથી હોસ્પિટલમાં ભૂખ્યા તરસ્યા આવીને બેસી રહેવુ પડે છે.અને છેવટે ઘણી ભીડના કારણે અથવા સમય પૂરો થઇ જવાને કારણે સ્ટાફ દ્વારા હવેં બીજા દિવસે આવજો એમ કહી મોકલી દેવામાં આવે છે.અત્રેના જિલ્લામાં કાયમી સમયના ડોક્ટર ન આવવાના કારણે મજબુરન મહિલાઓ અગર જો કોઈની પાસે સગવડ હોઈ તો વાંસદા અથવા વલસાડ જેવી મોટી સિટીમાં જઈને મોટી ફી આપીને સોનોગ્રાફી કરાવવી પડે છે.અને જેની પાસે પૈસાની અને અન્ય સુવિધા નથી એવી મહિલાઓને દર અઠવાડિયે ધરમનાં ધક્કા ખાવાની નોબત આવે છે.આમ અત્રેનાં જિલ્લાથી 100 થી 150 કિલોમીટર દૂર જઈ સોનોગ્રાફી અને ડિલિવરી માટે મોકલી આપવામાં આવે છે.અને ઘણા કેસોમાં મુત્યુ પણ થયેલ છે.જેથી ડાંગ જિલ્લા યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા વહીવટી તંત્ર સામે આક્ષેપ કરી જણાવ્યુ હતુ કે જિલ્લામાં આરોગ્યતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સગર્ભા માતાઓના જીવ સાથે ખિલવાડ અને બેદરકારી કરી રહેલ છે.વધુમાં આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પણ સમયસર હાજર રહેતા નથી અને જયારે ઇમર્જન્સી કેસ આવે ત્યારે પણ ફોન પર સલાહ આપી સારવાર કરવાનાં પ્રયત્નો કરવામાં આવે છે.તેમજ ડિલિવરી વિભાગમાં ડોક્ટરો સમય પર હાજર રહેતા નથી.અને નર્સ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે.જેથી અમારી રજુઆતને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ હકારાત્મક પગલા ન લેવામાં આવે તો આગામી દિવસોમાં અમો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારી છે…





