નવસારી: રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ વિડીઓ કોન્ફ્રાન્સ કાર્યક્રમમાં જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ જોડાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાકૃતિક કૃષિ ક્રાંતિમાં પત્રકાર મિત્રો સંવાહક બની લોકો સુધી જાગૃતા કેળવવામાં અમુલ્ય યોગદાન આપી શકશે.-રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગર રાજભવન ખાતેથી આજે મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર ગુજરાત રાજયના પત્રકારશ્રીઓ, મિડીયા પ્રતિનિધિઓ તથા કૃષિ વિષયક લેખકો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના પત્રકારો અને મિડીયા પ્રતિનિધિઓ જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડથી વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી જોડાઇને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો .
રાજયપાલશ્રીએ પોતાના સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને પાકનું ઉત્પાદન વધુ થાય છે. રાજયપાલશ્રીએ ખેડૂતોના ઉત્સાહ અને ઉત્સુકતાથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી તથા ખેડૂતોને રાસાયણિક ખાતરોના તેમજ જંતુનાશક દવાઓના અતિ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થવા સાથે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તે વિશે વિશેષ સમજણ આપી હતી. હવે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ ક્રાંતિમાં પત્રકાર મિત્રો સંવાહક બની લોકો સુધી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતા કેળવવામાં અમુલ્ય યોગદાન આપે એવી આશા વ્યકત કરી હતી.
રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ પ્રાકૃતિક ખેતીથી પહેલ કરી છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિ થાય છે, અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ નવસારી જિલ્લાના પત્રકારશ્રીઓ, મિડીયા પ્રતિનિધિઓ, નવસારીના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, નાયબ કલેકટરશ્રી કિરિટસિંહ વાઘેલા, આત્મા પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી સતિષ ઢીમ્મર, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.એ.આર.ગજેરા, સહાયક માહિતી નિયામકશ્રી વાય.એમ.ગોસાઈ તથા આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓએ લાઇવ નિહાળ્યો હતો.





