
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગતરોજ રાત્રીનાં અરસાથી વરસાદી રમઝટ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ગુરુવારે રાત્રીનાં અરસાથી શુક્રવારે દિવસ દરમ્યાન ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો અનરાધાર વરસાદ તૂટી પડતા જિલ્લાની લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા તેમજ ધોધડ નદીઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડીતુર હાલતમાં બન્ને કાંઠે થઈ વહેતી થઈ હતી.ડાંગ જિલ્લામાં વરસાદી રમઝટનાં પગલે ગીરાધોધ વઘઇ, ગિરમાળનો ગીરાધોધ,વનદેવીનો યુ ટર્ન નેકલેસ,સહિત નાનકડા જળધોધ,ઝરણાઓ અને વહેળાઓ અધધ પાણીની આવક સાથે ઓવરફ્લો થયા હતા.ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે ધોધમાર વરસાદની સાથે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ બેવડાયુ હતુ.આહવા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે મોડી રાત્રે આહવા-સાપુતારા માર્ગ ઉપર યોગેશ્વર ઘાટના વોટર ફોલ પાસે ભૂસ્ખલન થવા પામ્યુ હતુ.અહી મોટા પ્રમાણમાં શીલાઓ અને મલબો ધસી પડતા વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો.જોકે વરસતા વરસાદમાં વહીવટી તંત્રના લશ્કરોએ આ મલબો હટાવતા આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થવા પામ્યો હતો.
ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર પંથકમાં ગતરોજ રાત્રિથી આજરોજ દિવસ દરમ્યાન દેમાર વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં વરસેલા આ અનરાધાર વરસાદને પગલે જિલ્લાનાં 15 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દિવસ દરમ્યાન વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.વાહનચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહિ કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે.આ માર્ગો બંધ થતા 30 થી વધુ ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત થયા હતા.આ ગામોનો નોકરીયાત વર્ગ,વિદ્યાર્થી વર્ગ, આમ જનતા સહિત પશુપાલનને હાલાકી વેઠવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે (1) આંબાપાડા વી.એ.રોડ, (2) ખાતળ ફાટકથી ધોડી રોડ, (3) માછળી ચિખલા દિવડ્યાવન રોડ-1, (4) માછળી ચિખલા દિવડ્યાવન રોડ-2, (5) વાઝટઆંબા કોયલીપાડા રોડ, (6) પાતળી ગોદડિયા રોડ, (7) કાલીબેલ પાંધરમાળ વાંકન રોડ, (8) ધોડવહળ વી.એ.રોડ, (9) આહેરડી બોરદહાડ રોડ, (10) ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, (11) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-1, (12) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-2 (13) કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, (14) કડમાળ થી દહેર રોડ, અને (15) કેશબંધ જામલા બીલિઆંબા કોઝવેકમ પુલ જે ઊંડા પાણીમાં ગરક થઈ જતા આ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 55 મિમી અર્થાત 2.2 ઈંચ, વઘઇ પંથકમાં 124 મિમી અર્થાત 4.96 ઈંચ, આહવા પંથકમાં 152 મિમી અર્થાત 6.08 ઈંચ, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 166 મિમી અર્થાત 6.64 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..





