
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં આદિવાસી લોકોએ તેરા સન (તહેવાર) બાદ ડાંગરની રોપણીની વિધિવત શરૂઆત કરી છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઓછો વરસાદ પડતા આકાશી પાણી પર નભનારા ડાંગી ખેડુતો મુંઝવણમાં મુકાયા છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં થોડા દિવસ પહેલા ગ્રામ્ય વિસ્તારોમા મેઘરાજા મન મૂકીને વરસતા નદી,નાળા,વહેળા,અને કોતરડાઓ છલાકાઈ જવા પામ્યા હતા.ત્યાર બાદ છેલ્લા એક અઠવાડિયાથી રીમઝીમ વરસાદ પડતા ડાંગરની ખેતી કરતા ખેડુતો જેની પાસે મોટર કે મશીનની સગવડ છે એ નદી, નાળા, કોતરડાઓમાંથી પાણીની સગવડ કરી ખેતી કરી રહયા છે.જયારે આકાશી પાણી પર નભનારા ખેડુતોની હાલત કફોડી થવા પામી છે.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા એક સપ્તાહથી ઓછો વરસાદ પડતા નદી નાળાઓનાં વહેણ પણ શાંત મુદ્રામાં વહેતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં 03 મિમી,વઘઇ પંથકમાં 18 મિમી,સુબિર પંથકમાં 08 મિમી,જ્યારે વધુ સાપુતારા પંથકમાં 24 મિમી અર્થાત 1 ઈંચ જેટલો નોંધાયો હતો.જ્યારે સિઝનનાં કુલ વરસાદ પર નજર કરીએ તો જૂનનાં શરૂઆતથી અત્યારસુધીમાં આહવા તાલુકામાં કુલ 791 મિમી અર્થાત 31.64 ઈંચ,સુબિર તાલુકામાં કુલ 663 મિમી અર્થાત 26.52 ઈંચ,સાપુતારા નોટીફાઈડ વિસ્તારમાં કુલ 739 મિમી અર્થાત 29.56 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ તાલુકામાં કુલ 858 મિમી અર્થાત 34.32 ઈંચ વરસાદ નોંધાયો છે.આમ જિલ્લાનો વરસાદ જોઈએ તો ડાંગ જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 2312 મિમી જેટલો ઓછો નોંધાયો છે..





