
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વનરાજીથી ઘેરાયેલ ડાંગ જિલ્લામાં પણ ચાલુ વર્ષે અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુમાં બદલાવ આવતા ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક વરસાદ જોવા મળી રહ્યો છે.હાલમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી.ત્યારે ડાંગ જિલ્લામાં ગામડાઓમાં મોડી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 42 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચતા લોકોએ અસહ્ય ગરમી અને ઉકળાટનો અહેસાસ કર્યો હતો.દક્ષિણ ગુજરાતમાં 2 -3 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લામાં સોમવારે મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે લઘુતમ 38 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતુ.સોમવારે ડાંગ જિલ્લાનાં વઘઈ,આહવા,સુબીર,પંથકમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સાપુતારા ખાતે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.ડાંગ જિલ્લામાં ગરમીનો ઉકળાટ વધતા આ સમય દરમિયાન ઠંડી ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થવા પામ્યો હતો.સાથે આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.ત્યારે ઉભા પાકોમાં પિયત આપવા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલ છે. ઉપરાંત આગામી દિવસોમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.જોકે તારીખ 28 મે થી 30 મી મે સુધીમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં સોમવારે અસહ્ય ગરમી અને બફારાનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યુ હતુ.સાથે લોકોએ બપોરનાં સમયમાં ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. પશુ પંખીઓ પણ ઝાડવાની ઠંડક શોધવા મજબુર બન્યા હતા.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે 38 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. આહવા,વઘઇ અને સુબિર કરતા 4 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા પ્રવાસીઓએ થોડાક અંશે રાહત મેળવી હતી..





