નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકોનો ગ્રાન્ડ પેરેન્ટસ ડે ઉજવાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકો માટે ગ્રાન્ડ પેરેન્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના જીવનમાં તેમના વડીલ એવા દાદા-દાદી, નાના-નાની નું મહત્ત્વ સમજાવતાં આ દિવસ ખૂબ લાગણીશીલ રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકા ગૌરીબેન તથા પૂનમબેન દ્વારા ઉદબોધન અપાયું હતું. વડીલો ઘરમાં એક વટવૃક્ષ જેવી છાયા આપનાર સભ્યો છે. જેઓ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. બાળકોને વ્હાલ આપવામાં તેઓ કોઇ કસર રાખતા નથી. બાળકો દ્વારા દાદા- દાદીનું તિલક કરી સ્વાગત કરાયું અને બાળકોને તેમને માન આપવાની સમજ આપવામાં આવી હતી. વાલીઓને સમજ આપી કે દાદા-દાદી ખરેખર બાળકના ઉછેરમાં સંસ્કાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાદા- દાદીના મનોરંજન માટે સંગીત ખુરશી, એક મિનિટ ગેમ, ગ્લાસની રમત જેવી રમતો રમાડી બાળકો પણ તેમને જોઈ ખૂબ જ ખુશ થયા હતા. દાદા-દાદીની રમતો રમવાનો ઉત્સાહ જોવો પણ અનેરો હતો. કાર્યક્રમમાં પારૂલબેન મહેતાએ નિર્ણાયકશ્રી તરીકેની ભૂમિકા ભજવી હતી અને વાલીઓને પણ પ્રોત્સાહિત કર્યાં હતા. તેમના બાળકોને તેમના દાદા-દાદી પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા જોઈ આનંદિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.




