
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામે રહેતો અને વઘઇ જી.ઈ.બી સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ફરજ બજાવતો યોગેશભાઇ ધર્મુભાઇ ગાવિત (ઉ.24)રહે.રંભાસ તા.વઘઇ જી.ડાંગ ) જેઓ તા.09/07/2023નાં રોજ ઓફીસેથી સાંજનાં સાડા સાત વાગ્યે ઘરે જવા નીકળ્યા હતા.ત્યારે તેઓ હોર્નેટ મોટર સાયકલ નં.GJ-30-C-1596 પર સવાર થઈ વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ગીરાધોધ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે વેળાએ સાપુતારા તરફથી બ્રિઝા ગાડી નં-GJ-05-JQ-3908નાં ચાલકે પુ૨ઝડપે રોંગ સાઇડમાં હંકારી લાવતા યોગેશ ગાવિતની હોર્નેટ મોટર સાયકલને અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતનાં બનાવમાં મોટરસાઈકલ ચાલક નામે યોગેશભાઈ ગાવીતને ગંભીર ઈજાઓ પોહચી હતી.જોકે સ્થળ પરથી બ્રિઝા કારચાલક નાસી છૂટયો હતો.આ અકસ્માતનાં બનાવમાં યોગેશ ગાવિતને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે વઘઇ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા,પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે આ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ અકસ્માતનાં બનાવમાં મોટરસાઈકલનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.જ્યારે બ્રિઝા કારનાં બોનેટનો ભાગ ચબદો બની જવા પામ્યો હતો.આ અકસ્માતનાં બનાવ અંગેની ફરિયાદ વઘઇ પોલીસ મથકમાં નોંધાતા વઘઇ પોલીસની ટીમે બ્રિઝા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..





