
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા અરસા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં પણ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી જોર ધીમુ પડતા ડાંગી ખેડૂતો રોપણીને લઈને ચિંતામાં હતા.ડાંગ જિલ્લામાં ઓછા વરસાદનાં પગલે નદી નાળા અને વહેળાઓનું પાણી પણ નિર્મળ કાચની જેમ ઠરી ગયુ હતુ. તેવામાં શુક્રવારે રાત્રીનાં અરસામાં અને શનિવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ,આહવા,ચીંચલી, ગારખડી,સુબિર,લવચાલી, બરડીપાડા,ઝાવડા,ભેંસકાતરી, કાલીબેલ,વઘઇ,સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.શનિવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા નદી,નાળા,વહેળા,ઝરણાઓ અને ક્યારડાઓ ફરી ઉભરાઈને છલકાયા હતા.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા, ગીરા,ખાપરી,અને પૂર્ણા નદી પણ બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનીકલ ગાર્ડન,દેવીનામાળ, મહાલ,ગીરમાળનો ગીરા ધોધ ખાતે પ્રવાસીઓ વાહનોનો ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારા સહિત માલેગામ,જોગબારી અને ચિરાપાડા તથા ચિચપાડા ખાતે આવેલ તમામ રિસોર્ટ ખાતે પણ શનિવારે હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય સ્થળો ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ પ્રકૃતિની ગોદમાં વરસાદી માહોલ,ધૂમમ્સીયુ વાતાવરણનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 34 મિમી અર્થાત 1.36 ઈંચ, વઘઇ પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ, સુબિર પંથકમાં 12 મિમી,જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 39 મિમી અર્થાત 1.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…





