DANG

ડાંગમાં પ્રકૃતિ શોલે કળાએ ખીલી ઊઠતા સાપુતારા ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનાં ઘસારાનાં પગલે જોવાલાયક સ્થળોએ સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા દિન પ્રતિ દિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.જેમાંય શનિ રવીની રજાઓમાં જોવાલાયક સ્થળો ભરચક બની જતા સ્થાનિક ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા છે.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાતા હોટલીયરો,રેસ્ટોરન્ટ ધારકો,હોમ સ્ટે સંચાલકો અને ટેન્ટ રિસોર્ટ ધારકોનાં આવકમાં વધારો નોંધાયો છે.ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર સ્થળોએ સતત બીજા દિવસે હાઉસફૂલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.રવિવારે પણ ગિરિમથક સાપુતારાની સહેલગાહે પ્રવાસીઓ મોટી સંખ્યામાં નાના મોટા વાહનો લઈને ઉમટી પડતા સ્વાગત સર્કલ,બોટીંગ,સનરાઈઝ પોઈંટ, ટેબલ પોઈંટ જેવા અનેક સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.સાપુતારામાં રવિવારે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પ્રવાસી વાહનો જ નજરે પડતા પાર્કિંગ પણ નાના પડ્યા હતા.અને જોવાલાયક સ્થળોએ વાહનોની લાંબી કતારો જામવાની સાથે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.જોકે સતત બીજા દિવસે પણ દરેક જોવાલાયક સ્થળો ખાતે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન દ્વારા જી.આર.ડી.હોમગાર્ડ તથા પોલીસ જવાનોની ટીમોને ખડેપગે તૈનાત કરી દેતા ટ્રાફિક હળવો થયો હતો.રવિવારે ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા પ્રવાસી વાહનોને સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ સહિત પ્રકૃતિની ગોદમાં હરી ફરીને લિજ્જત માણી હતી.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલમાં ગીરાધોધ વઘઇ, બોટનીકલ ગાર્ડન વઘઇ, ગીરમાળનાં ગીરાધોધ સહિત નાના મોટા જળધોધ ખાતે ઉમટી પડી પ્રકૃતિનાં સુંદરતાની મઝા માણી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 22 મિમી,સાપુતારા પંથકમાં 20 મિમી, આહવા પંથકમાં 26 મિમી અર્થાત 1.04 ઈંચ,જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 30 મિમી અર્થાત 1.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

[wptube id="1252022"]
Back to top button