
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ‘સક્ષમ યુવિકા યોજના આ પ્રકારની યોજનાની પહેલ કરનાર નવસારી બન્યો સૌપ્રથમ જિલ્લો
નવસારી જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૪૧૭૭ કિશોરીઓને યોજના હેઠળ આવરી લેવામાં આવશે
નવસારી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૮ માં ભણતી કિશોરીઓના આરોગ્ય અને પોષણસ્તરમાં સુધારો થાય, સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને અને એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત અને આત્મવિશ્વાસ કેળવવાની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધે તે માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા સ્વભંડોળ હેઠળ જોગવાઇ કરી સમગ્ર રાજ્યમાં એક અનોખી પહેલ કરી “સક્ષમ યુવિકા યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
આ ‘સક્ષમ યુવિકા યોજના’ શું છે?
આ યોજના અંતર્ગત નવસારી જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૪૧૭૭ કિશોરીઓને આવરી લેવામાં આવી છે. આ યોજના માટે કુલ ૧૨૪૮ રિસોર્સ પર્સન્સની ફાળવણી કરેલ છે એ થકી ૧૨૭૨૦ સેશન્સનું આયોજન કરેલ છે. જે અંતર્ગત વિવિધ શાળાઓમાં ભણતી કિશોરીઓને આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી સેશન્સ, સેલ્ફ-ડિફેન્સના વર્ગો, યોગા કલાસ, પોષણ, ખેતી/ બાગાયતીને લગતી માહિતી, શિક્ષણ, બાળ સુરક્ષા, બેંકિંગ, આર્યુર્વેદ, કારકિર્દી સહિત અનેક વિષયો આનુષાંગિક માર્ગદર્શન સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી અને શારિરીક વિકાસ અર્થે જરૂરી પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે.
યોજનાની પહેલ કરનાર નવસારી એ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ જિલ્લો
આ પ્રકારની યોજના માટે પહેલ કરનાર નવસારી એ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ જિલ્લો બન્યો છે.આ યોજનાના અસરકારક અમલીકરણ માટે નોડલ અધિકારીઓ અને રિસોર્સ પર્સન્સની ફાળવણી કરી યોજનાના અમલીકરણનું મોનીટરીંગ, સંકલન અને રિપોર્ટીંગ કરવામાં આવશે. એ માટે તેઓને તાલીમ પણ અપાશે. આ પ્રયાસો થકી કિશોરીઓના આરોગ્ય અને પોષણસ્તરમાં સુધારાની સાથે સાથે તેઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા અને કિશોરીઓને સક્ષમ બનાવવા નેમ હાથ ધરવામાં આવી છે.
આ યોજનાનો શુભારંભ આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના વરદ હસ્તે સિસોદ્રા કન્યા શાળા, નવસારી ખાતે કાર્યક્રમ યોજી કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી દ્વારા તેઓના ઉદબોધનમાં જણાવેલ કે સિસોદરા ગામ એક ઐતિહાસિક ભૂમી છે અને આજે આ ગામેથી આ યોજનાનો શુભારંભ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જિલ્લાની કિશોરીઓ સક્ષમ બને તે માટે સરકારશ્રી દ્વારા સવિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આજના આ શુભારંભ કાર્યક્રમમાં હાજર સૌને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા (કે જે યોજનાના ચેરમેનશ્રી પણ છે) દ્રારા સક્ષમ યુવિકા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના અધ્યક્ષશ્રી વિનોદભાઇ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના અન્ય સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી નવસારી, સિસોદ્રા ગામના સરપંચશ્રી, સિસોદ્રા ગામના આગેવાનો, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, સીડીપીઓશ્રી, આંગણવાડી વર્કર બહેનો, બી.આર.સી. કોર્ડીનેટર, સી.આર.સી. કોર્ડીનેટર, સિસોદ્રા શાળાના શિક્ષકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્રારા કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. અને કાર્યક્રમને અંતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.





