
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગની વઘઈ પોલીસની ટીમે સાકરપાતળ ગામમાંથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડયા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા 4,10,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરીની ટીમે બાતમીનાં આધારે સાકરપાતળ ગામ ખાતે વોચ ગોઠવી હતી.તે વેળાએ ફોરવ્હીલ કાર નં.GJ-05-JE-8464 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે કારમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કારમાં સવાર કેતન દિલીપ પટેલ (રહે.ગામ.પરીયા,તા. પારડી જી.વલસાડ) અને હિતેન્દ્ર ચંદુ પટેલ (રહે.નાની પારડી તા.વાપી જી.વલસાડ) બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,97,500/- તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા 13 હજાર, કાર જેની કિંમત રૂપિયા 2 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 4,10,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને પાયલોટિંગ કરનાર એનીષ સુરેશ પટેલ (રહે.નાહુલી સ્કુલ ફળીયુ, તા.વાપી, જિ.વલસાડ ) તથા બીજો એક ઇસમ (જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી.) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.હાલમાં વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરીએ આ અંગેનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.





