
તા.૧૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટના જરૂરિયાતમંદોને તેમજ બ્લડ બેન્કોને પૂરતું રક્ત ઉપલબ્ધ થાય તેવા હેતુથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જીવન બચાવી શકાય તેવા રક્તનું દાન આપનાર રક્તદાતાઓ તેમજ આયોજકોને ઉમદા હેતુથી આયોજિત કરાયેલ કાર્યક્રમ માટે બિરદાવ્યા હતા તેમજ રક્તદાતાઓ અને તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોને શુભ પ્રસંગે આવા સમાજોપયોગી આયોજનો કરવાની પ્રેરણા મળે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.

આ રક્તદાન કેમ્પમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સમાજના અગ્રણીઓ સાથે રક્ત તુલામાં ભાગ લઈ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીને દાન કરાયેલ રક્તથી તોલવામાં આવ્યા હતાં. સમાજ અગ્રણીશ્રી ભુપતભાઈ ડાભીને પણ દાન કરેલ રક્તથી તોલવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે રક્તદાન, થેલેસેમિયા ચેકીંગ જાગૃતિ તેમજ વ્યસનમુક્તિ અંગે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. અગ્રણીશ્રી શ્રીવિનોદભાઈ નાગાણી દ્વારા પોતાના ૫૪માં જન્મદિવસ નિમિત્તે સમાજસેવા અર્થે આયોજિત આ રક્તદાન કેમ્પમાં વિવિધ બ્લડ બેંકોએ ભાગ લીધો હતો તેમજ દિવસભરમાં લગભગ ૫૦૦થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. પૂર્વર્વમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ તેમજ અન્ય સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી.








