
તા.૧૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વરસાદી પાણીના નિકાલ તથા જાહેર દબાણો અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં વરસાદી પાણીના નિકાલ તથા જાહેર દબાણો અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અંતર્ગત જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગો બંધ ન થાય તે માટે કચરા-કાટમાળની સફાઈ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજની નિયમિત સફાઈ કરવા અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરશ્રી ધીમંતભાઈ વ્યાસે વર્ષારૂતુ કે વાવાઝોડા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ અંગે ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું આયોજન રજૂ કર્યું હતું.

કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આવશ્યક સૂચનો આપ્યા હતા તેમજ વોંકળા તથા નદીનાળાનો સર્વે કરાવી તેમાં કચરો, કાટમાળ કે ઝાડીઝાંખરાની સફાઈ કરાવીને દબાણ કે અન્ય અવરોધ દુર કરવાની કામગીરી તેમજ નવું દબાણ ન થાય તે માટે નિયમિત મુલાકાતો લેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એસ. જે. ખાચર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અનિલ ધામેલીયા, પ્રાંત અધિકારીશ્રીઓ કે.જી.ચૌધરી, રાજેશ આલ, સંદીપ વર્મા અને જે. એન. લીખીયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારશ્રી કેતનભાઈ ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલ સહીત પોલીસ, સિંચાઈ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








