
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
૧૮ વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં ખાસ કેમ્પ કરવાની સુચના: રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કલેકટરશ્રીઓની ઉપસ્થિતિ
Rajkot: રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં તથા સંયુક્ત ચૂંટણી અધિકારીશ્રી અશોક પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદી વિશે રીવ્યુ બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ પી.પી.ટી.ના માધ્યમથી દરેક મતદાર વિભાગ મુજબ વૉટર હેલ્પ લાઇનનો મહત્તમ ઉપયોગ, બી.એલ.ઓ.ની કામગીરી, મતદાન જાગૃતિ કાર્યક્રમો, નવા મતદારોનો ઉમેરો વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. તેઓએ ૧૮ વર્ષથી ઉપરના વધુને વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં વિશેષ કેમ્પ કરવાની સુચના ચૂંટણી અધિકારીઓને આપી હતી. આ બાબતના સમર્થનમાં તેમણે રાજ્યભરની વિવિધ કોલેજોમાં થયેલા મતદાર જાગૃતિના સેમિનારો થકી ઓનલાઇન વોટર હેલ્પ લાઇનમાં થયેલા સુધારાઓને પણ આવરી લીધા હતા.
મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીનુ રાજકોટ કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત કર્યું હતું. અધિક નિવાસી કલેક્ટર ખાચરે બેઠકનું સંચાલન કર્યું હતું. આ તકે જૂનાગઢ કલેક્ટરશ્રી અનિલ રાણાવાસિયા, ગીર સોમનાથ કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, ત્રણેય જિલ્લાના ચૂંટણી અધિકારીઓ (ERO) ઉપસ્થિત રહ્યા હતા.








