જૂનાગઢ જિલ્લાની બહેનોએ કલાત્મક મહેંદી મૂકી અચૂક મતદાનની કરી અપીલ
બહેનોએ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે મહેંદી મૂકી લોકશાહીના આ મહાપર્વને વધુ રૂડું બનાવ્યું

કડિયાવાડ માર્કેટ,ડો.સુભાષ એન્જિનિયરિંગ કોલેજ, શાળાઓમાં મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો અપાયો
જૂનાગઢ,તા.૧ જેમ લગ્ન પ્રસંગે મહેંદીની રસમ કરવામાં આવે છે. તેમ લોકશાહીનો અવસરે મતદાન જાગૃતિ અર્થે બહેનોએ હાથે મહેંદી મૂકી છે. બહેનોએ પોતાના આંગણે શુભ પ્રસંગ હોય તેમ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે પોતાના હાથે કલાત્મક મહેંદી મૂકી લોકશાહીના આ મહાપર્વને વધુ રૂડું બનાવ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ માટે વધુ એક આગવું અભિયાન શરૂ કર્યું છે. જેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે, ખાસ કરીને મહિલાઓમાં પણ પોતાના મૂલ્ય મત આપવા માટે જાગૃત બને એ હેતું સાથે જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ દ્વારા મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખી રીતે સંદેશો આપ્યો હતો.
જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી શહેર અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ સ્થળોએ બહેનોએ મહેંદી મુકી મતદાનની અપીલ કરી હતી.જૂનાગઢ શહેરના કડીયાવાડ માર્કેટ, મોટી શાકમાર્કેટ, વાંઝાવાડ માર્કેટ, ડો.સુભાષ એન્જીનીયરીંગ કોલેજ, શાપુર ગામે સખીમંડળ, તેમજ મહિલા મંડળ, આંગણવાડીઓમાં, પે સેન્ટર શાળાઓમાં મતદાન જાગૃતિની થીમ સાથે મહેંદી મૂકવામાં આવી હતી. જેમાં વોટ ફોર શ્યોર, તારીખ ૭ મે મતદાન દિવસ, મતદાન મેરા અધિકાર, મતદાન ઉત્તમ મહાદાન ની થીમ સાથે જરૂરથી મતદાન કરવા અને અન્યને પ્રોત્સાહન આપવા સંદેશો આપ્યો હતો.
સાથે જ તા.૭ મે ના રોજ અચૂક મતદાન કરવાના શપથ પણ લીધા હતા. સ્વીપ નોડલ ઓફિસર શ્રી લતાબેન ઉપાધ્યાય, જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, જૂનાગઢ મહાનગરપાલિકા પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત આ મહેંદી સ્પર્ધામાં વિવિધ વિભાગના મહિલા અધિકારીઓ, કર્મચારીઓ, બહેનો, વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બની હતી.










