
તા.૨૬/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પરિસંવાદ, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન, પશુ આરોગ્ય મેળા, યોજનાકીય સહાયનું વિતરણ કરાયું
પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન આપવા દરેક માર્કેટિંગ યાર્ડમાં ખાસ સ્ટોલની વ્યવસ્થા કરવા મંત્રીશ્રીની હિમાયત
Rajkot: Jasdan: રાજયના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતેથી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રીશ્રીએ મહોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દરેક અનાજ, શાકભાજીનો કુદરતી સ્વાદ હતો પરંતુ કાળક્રમે રાસાયણિક ખેતીના કારણે તેના સ્વાદથી લઇ લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ છે. કેમિકલયુકત ઉત્પાદનોના કારણે લોકો અનેક અસાધ્ય રોગોનો ભોગ બન્યા છે. ત્યારે ફરી જૂની પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનેક યોજનાકીય લાભો આપી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
સાથે જ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન મળે તે માટે રાજકોટ જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડમાં ખાસ સ્ટોલની વ્યવસ્થા કરવાની હિમાયત કરી હતી તથા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના ૨૦ લાભાર્થીઓને પ્રતીકાત્મક સહાય વિતરણના હુકમ એનાયત કરાયા હતા.

આ તકે કલેક્ટરશ્રીએ પ્રભવ જોષીએ કેન્સરના અને યુવાનોમાં વધતા હાર્ટઅટેકના પ્રમાણ માટે હાલના રાસાયણિક ખોરાકની ભૂમિકા પ્રકાશ પાડી દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી અપનાવી તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત જસદણ ખાતે કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પનું આયોજન તથા સરદાર પટેલ કૃષિ સંશોધન અને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો.યુ.કે.કડોલિયાએ શ્રી અન્ન તથા તેના ફાયદા વિષે અને ડો. ડી.કે.ડાવરાએ ખેતી ખર્ચના ઘટાડા માટે ઈનપુટસના કાર્યક્ષમ ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા વિષે વિશ્લેષણાત્મક માર્ગદર્શન આપ્યું હતું તેમજ જસદણના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બાબુભાઈ કાનકડે પ્રાકૃતિક ખેતીનો સ્વાનુભવ જણાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દસ્ક્રોઇ પીરાણા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના રવિ મહોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સર્વેએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ,મામતલતદારશ્રી રાજ્યગુરુ, અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરીયા, મદદનીશ ખેતી નિયામક શ્રી પી.પી.મારવણીયા, નગરપાલિકા માજી પ્રમુખશ્રી ધીરુભાઈ ભાયાણી, એ.પી.એમ.સી વાઇસ ચેરમેન શ્રી પ્રેમજીભાઈ રાજપરા તેમજ તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








