
તા.૨૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
યુવા મતદારો સાથે સીધો સંવાદ સાધી મતદાન માટે પ્રેરણા પુરી પાડતું ચૂંટણી તંત્ર
Rajkot: લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારાઓમાં જાગૃતિ લાવવા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમણે ફેસબુક લાઈવ પ્રોગ્રામ મારફતે કોલેજના કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર તેમજ વિદ્યાર્થીઓ સાથે ફેસબુકથી લાઈવ સંવાદ કરીને તેમને મતાધિકારની પ્રક્રિયામાં જોડાવા પ્રેરિત કર્યા હતા.

જે અન્વયે રાજકોટ જિલ્લાના યુવાનોમાં મતદાન જાગૃતિ અર્થે કોલેજોમાં કુલ ૭૭ કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. જેતપુર ખાતે એસ.પી.કે.એમ. કોલેજ, જી.કે. એન્ડ સી.કે. બોસમીયા કોલેજ, બી. કે. મોદી ફાર્મસી કોલેજ, જામકંડોરણા ખાતે સ્વ. એન. એચ. રાદડિયા કોલેજ સહિતની જિલ્લાભરની કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની ઉપસ્થિતિમાં ફેસબુક સોસિયલ મીડિયા મારફત જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ ચૂંટણીના યુવા કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર સાથે લાઈવ સંવાદ કર્યો હતો.

આ તકે વિદ્યાર્થીઓને મતદાન અવશ્ય કરવા પ્રોત્સાહન આપ્યું હતું. યુવા બ્રાન્ડ એમ્બેસેડર અને કોલજીયનોએ પોતે મતદાન કરશે, તેવી ખાત્રી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે, તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








