
તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટ ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરના વિધાનસભા મતવિસ્તાર – ૭૦માં ભક્તિનગર સોસાયટી રોડ આવેલા આ કાર્યાલયમાં ઉપલબ્ધ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની સુવિધા, વર્ચ્યુઅલ સભાખંડ, કોન્ફરન્સ હોલ અને વિડીયો કોન્ફરન્સ હોલનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, એસ.ટી. બસ કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ તેમજ પાલક માતા-પિતા યોજના અંતર્ગત આર્થિક સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. આ તકે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ અરજદારોને પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યાલયની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

પ્રજા સાથેનો સંપર્ક વધુ મજબૂત કરવા તથા પ્રજાકીય પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે તે હેતુસર આ જનસંપર્ક કાર્યાલયનું નિર્માણ કરાયું છે. આ કાર્યાલયમાં સરકારી યોજના સંબંધી માર્ગદર્શન અને તેના લાભ મેળવવા માટેની જરૂરી પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ કોઈપણ વ્યકિત ધારાસભ્યશ્રીને પોતાની રજૂઆત સીધી કરી શકશે.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ, સાંસદ સર્વ શ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય સર્વશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી જયેશભાઈ રાદડીયા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રી રક્ષાબેન બોળીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ, શ્રી મૂકેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી ધનસુખભાઈ ભંડેરી સહિતના આગેવાનો મામલતદારશ્રી જે. વી. કાકડીયા અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.









