Morbi : સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય રાશન કાર્ડનો લાભ મળવો જોઈએ – સિલિકોસિસ પીડીત સંધ

દેશમાં તમામ નાગરીકોનુ પુરતુ અને પોષણક્ષમ ખાવાનુ મળે તે જોવાની જવાબદારી સરકારની છે. ત્યારે પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શક્તા ન હોય તેવા કુટૂંબોને મદદ અને હુંફની જરુર છે.
તારીખ – ૨૪/૧૧/૨૦૨૩ એ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર અને સિલિકોસિસ પીડીત સંધ દ્વારા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ખાતે સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ લાભ મળવો જોઈએ તે બાબતે આવેદન આપી રજુઆત કરવામ આવી.
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) ૩૦+ વર્ષથી ગુજરાતમાં વ્યવસાયિક આરોગ્ય પર કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ ખાસ કરીને ફેફસાંના જીવલેણ રોગ સિલિકોસિસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
સિલિકોસિસને કારણે કેટલાક કામદારો જ્યારે કામ કરવાની શક્તિ સદંતર ગુમાવી દે છે અને પથારીવશ થાય છે ત્યારે એક તરફ આવક બંધ પડે, દર્દીની સેવા કરવા કુટુંબના અન્ય એક સભ્ય પણ કમાણી કરવાથી વંચિત રહે અને વિભક્ત કુટુંબ હોય ત્યારે પરિવારની આવક શુન્ય થઇ જાય છે અને બીજી બાજુ સારવારનો ખર્ચ વધતાં બચતો વપરાઇ જતાં થોડા સમય બાદ ખાવાના ફાફા પડે છે. આવા સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ મળે તો એમના ઘરમાં કોઈને ભૂખ્યા પેટે ન સૂવું પડે. હાલ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં અંદાજિત ૧૦૦૦ ઉપર સિલિકોસિસ પીડીત કુટુંબો હોવાની સંભાવના છે.
સિલિકોસિસ નામની એક વ્યવસાયીક અતિ ગમ્ભીર જીવલેણ બિમારી થાય છે. જેના કારણે સિલિકોસિસ પીડીત કુટુંબોની આર્થીક અને સામાજીક પરીસ્થીતી ખોરવાઈ જાય છે. સિલિકોસિસ એક જૂના સમયથી જાણીતો વ્યવસાયજન્ય રોગ છે. આ રોગ જીવલેણ છે તેની કોઈ સારવાર આખી દુનિયામાં કયાંય ઉપલબ્ધ નથી. તેને થતો અટકાવી શકાય પરંતુ મટાડી શકાતો નથી. સિલિકોસિસના દર્દીનું અકાળે અવસાન થતાં બહેનો વિધવા થઈ જાય છે. તેનાં પત્ની-બાળકો-માતાપિતા મુશ્કેલીમાં મુકાય જાય છે. કુટુંબ દેવાદાર બને છે અને ગરીબીની રેખા હેઠળ ધકેલાઈ જાય છે.
સિલિકોસિસને કારણે કામદાર અશક્ત થાય છે, કમાઈ શક્તો નથી અને મ્રુત્યુ અગાઉ લાંબો સમય પથારી વશ રહેવું પડે છે તે દરમ્યાન સારવારના ખર્ચ થાય છે અને કમાણી ન હોવાને કારણે બચતો વપરાઈ જાય છે, દેવાં થાય છે, સંપત્તી વેચવી પડે છે, ઘરની બીજી એક વ્યક્તી પણ બીમારનું ધ્યાન રાખવાને કારણે કમાઈ શકતી નથી. પરીવારની સ્થીતી અત્યંત કપરી થાય છે. ખાવા માટે અનાજ પણ રહેતું નથી ત્યારે જો અંત્યોદય કાર્ડ નો લાભ મળે તો જીવન ટકાવવામાં મદદ થઈ શકે.









