હાલોલ-રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાલોલ પંથકમાંથી ત્રણ સંતો અયોધ્યા જવા થયા રવાના

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૯.૧.૨૦૨૪
રામ જન્મભૂમિ અયોધ્યામાં બનેલા હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમા ભવ્ય રામજી મંદિરનું સોમવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે થનાર લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશનું વાતાવરણ ધાર્મિક બન્યું છે.અને દેશભરમાંથી કેટલાક સાધુ સંતો, મહંતો ને આ ધાર્મિક અનુષ્ઠાનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. હાલોલ તાલુકા માંથી ત્રણ ધાર્મિક મહાપુરુષો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ ને રામ ભક્તો દ્વારા વાજતે ગાજતે રામલલાના જન્મસ્થાન અયોધ્યા જવા પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યા છે.હાલોલ નજીક આવેલા કણજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામ શરણદાસજી મહારાજ અયોધ્યા જવા રવાના થયા છે, તો તાલુકાના શિવરાજપુર નજીક આવેલા કાકલપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ ની સાથે સાથે ‘ગાય વાછરડી’ આશ્રમ ના ગાદીપતિ એવા છોટે નારાયણ બાપુ તરીકે ઓળખાતા સાધુ કરણદાસ મહારાજ ને પણ અયોધ્યા રામજી મંદિર તરફ થી આમંત્રિત કરવામાં આવતા તેઓ પણ અયોધ્યા રવાના થયા છે. સાધુ કરણદાસ મહારાજ વર્ષો થી શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવવાની સાથે સાથે આશ્રમ અને તેમાં આવેલા મહાદેવ મંદિર ની પૂજા અર્ચના કરી આ વિસ્તાર માં વ્યસનમુક્તિ સહિત અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી નિષ્ઠા વિદ્યા મંદિર નું સંચાલન કરતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રસાદ સ્વામી ને પણ અયોધ્યા ખાતે યોજાનાર રામલલ્લા ના મંદિરના લોકાર્પણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે,ત્યારે તેઓ ને પણ હરિભક્તો દ્વારા વિદાય આપવામાં આવી છે, સાંજે મંદિર ખાતે હરિભક્તો એકત્ર થયા હતા અને સ્વામીજી નું બહુમાન કરી વાજતે ગાજતે તેઓ ને અયોધ્યા તરફ જવા રવાના કરવામાં આવ્યા હતા. સંત પ્રસાદ સ્વામી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા છે, અને સનાતન ધર્મ અને સંસ્કૃતિ માટે સતત કાર્ય કરી રહ્યા છે.તેઓએ જણાવ્યું હતું કે અમને સાક્ષાત રામચંદ્ર ભગવાન નું આમંત્રણ મળ્યું છે.ત્યારે અમે સમગ્ર રાષ્ટ્ર, રાજ્ય અને હાલોલ ના તમામ નગરજનો પ્રતિનિધિ તરીકે ભગવાન ના દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરીશું તેમ જણાવ્યું હતું.પંચમહાલ જિલ્લા માંથી પાંચ સંતો ને અયોધ્યા મહોત્સવ માં આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં હાલોલ તાલુકા ના જ ત્રણ સંતો અત્રે થી વાજતે ગાજતે અયોધ્યા જવા નીકળ્યા છે, એટલે હાલોલ ની ભૂમિ ચોક્કસ તપોભૂમિ બની છે.










