

નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવવા તકેદારીના પગલા લેવા સુચના અપાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૫/૦૬/૨૦૨૩
રાજ્યમાં હાલ કન્જક્ટિવાઇટિસના કેસો વધી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ સાવચેત બન્યું છે.ત્યારે નેત્રંગ પણ કન્જક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે. તાલુકામાં આવેલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગના માર્ગદર્શન હેઠળ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આ કન્જક્ટિવાઇટિસને લઇને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો. જેમાં સંક્રમિત બાળકોનું અલગ અલગ પી.એચ.સી. અને સી.એચ.સી પર રિફર કરી યોગ્ય સારવાર આપવામાં આવી છે.
નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તાબામાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા બાળકો પૈકી કોઈ કન્જક્ટિવાઇટિસની અસર જણાય તો તેનું સંક્રમણ અન્ય બાળકને નહિ ફેલાઈ માટે બાળકને માંદગીની રજા આપવા સાથે આરોગ્ય વિભાગમાં જાણ કરવા સુચના આપી દેવામાં આવી છે.તો આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ અધિકારી સહીત પી.એચ.સી.,સી.એચ.સી તેમજ ગામેગામ ચેપી રોગને અટકાવવા જન જાગૃતિ ફેલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ રોગ જીવલેણ નહિ હોવાથી તેની યોગ્ય કાળજી લેવાથી સાજો થઇ જાય છે.








