
તા.૨૯/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
લોક કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોના માહિતગાર કરાયા, આરોગ્ય કેમ્પમાં લોકોના આરોગ્યની તપાસ કરાઈ
Rajkot:લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હિંદડ ગામે આવી પહોંચ્યો હતો. અહીં પરંપરાગત રીતે આ રથના વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ રથના આગમન સાથે સરકાર વિવિધ યોજનાઓના રસથાળ સાથે જાણે પોતાને દ્વાર આવી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. પડધરી તાલુકાના હિંદડ ગામમાં આજે સંકલ્પ રથયાત્રા પહોંચી ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે ધારાસભ્યશ્રી દ્વારા લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય લાભાર્થીને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ પણ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ચાર વ્યક્તિની ટીબીની તપાસ પણ કરાઈ હતી. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન તથા ઉન્નતિ અંગે લાભાર્થીશ્રી ગાંડુભાઈ મૈયાભાઈ ચાનિયાએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરનારા મહિલા સુશ્રી પાયલબેન સોનારાનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના, પી.એમ. કિસાન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી રોહિતભાઈ ચાવડા, તા.પં.ના ઉપપ્રમુખ વતીશ્રી મુકેશભાઈ મુંગલપરા, વિસ્તરણ અધિકારીશ્રી કે.એસ. નિર્મળ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ઉર્મીબેન શેઠ, ઉપરાંત તાલુકા અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ ગજેરા, શ્રી છગનભાઈ વાંસજાળીયા, શ્રી મુકેશભાઈ તળપદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








