આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત અદ્દભુત અને અવિસ્મરણીય “વિધવા માતાશ્રીઓનો” સન્માન કાર્યક્રમ યોજાયો


- 19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર, સંચાલિત આદર્શ વિદ્યાલયમાં તા-૧૯ ઓકટોબર ૨૩ ના રોજ અમૃત મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત શાળાના આચાર્યશ્રીની વૈચારિક પ્રેરણાથી અદ્દભુત અને અવિસ્મરણીય તથા સામાજિક અને માનવીય મૂલ્યોને ઉજાગર કરતો “વિધવા માતાશ્રીઓનો” સન્માન કાર્યક્રમ યોજાયો.નવરાત્રીના પાવન પર્વમાં તથા દેવી શક્તિ સ્વરૂપા એવી વિધવા માતાશ્રીઓના સન્માન કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિધવા માતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ જ પોતાની વિધવા માતાના ચરણ-સ્પર્શ કરી, ફુલહાર અર્પણ કરી અને પુષ્પવર્ષા કરી માતૃશ્રીની આરતી ઉતારી માતાની સાથે સાથે પિતા સમાન જવાબદારી નિભાવતા માતૃશ્રી પાસેથી જીવનમાં ઉચ્ચત્તમ પ્રગતિ સાધવાના આશીર્વાદ લીધા હતા. શાળા તરફથી વિધવા માતાશ્રીઓને સાડી અને મીઠાઈનું પેકેટ તથા તેમનાં બાળકોને સ્કુલબેગ અને છ ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સાથે આ કાર્યક્રમ સંદર્ભે શાળાના શિક્ષિકા શ્રીમતી કોકિલાબેને “નારી એટલે દૈવી શક્તિ” સંદર્ભે તથા વિધવા માતાઓ વિશે હૃદ્દયસ્પર્શી અને કરુણામય વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓ પર અમિટ છાપ છોડી હતી. શાળાના આચાર્યશ્રીએ પણ કાર્યક્રમના અનુસંધાને વૈચારિક અને માનવીય મૂલ્યોને ઉજાગર કરતું પ્રાસંગિક પ્રવચન આપીને માનવ સમાજમાં થતા વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં વિધવા માતાશ્રીઓને મહત્ત્વ આપવા તથા શુભ પ્રસંગો વિધવા માતાશ્રીઓના વરદ્દ હસ્તે કરાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી આ પ્રેરણાને સ્વીકારી હતી. અંતમાં આભારવિધિ શિક્ષકશ્રી લવજીભાઈ જી.ચૌધરીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકશ્રી વિશાલભાઈ એલ. કડિયાએ કર્યું હતું.આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. જે બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.



