બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો

14 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ તા. ૧૪ મી માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ- ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાના પ્રારંભે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦ જેટલાં પરીક્ષા કેન્દ્રો પરથી ધોરણ-૧૦ અને ૧૨ ના કુલ- ૯૦,૭૮૬ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી કુમ કુમ તિલક કરી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ આજે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો આજથી શુભારંભ થયો છે ત્યારે દરેક પરીક્ષાર્થી કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના ટેંશનમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે બાળકોને પ્રોત્સાહિત કરી એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બોર્ડના પ્રતિનિધિ- ફ્લાઈંગ સ્ક્વોડ સહિતના સ્ટાફની નિમણુંક કરી દેવાઈ છે. બાળકો ભય વિના શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે એવું આયોજન કરાયું છે. જિલ્લામાં જિલ્લામાં ૧૦૦ જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાઇ રહી છે. જિલ્લામાં ધો.૧૦ના ૫૦,૯૩૦ વિદ્યાર્થીઓ જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૪,૪૩૦ અને વિજ્ઞાન પ્રવાહના ૫,૪૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.સમગ્ર જિલ્લામાં સવારથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હતો. નિયત સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઉત્સાહભેર આવકારી તેમનું કુમ કુમ તિલક કરી, મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નેરન્દ્રસિંહ ચાવડા, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



