લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે પોતાના મતાધિકાર પ્રત્યે લોકો સજાગ બની વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શાળાના શિક્ષક, બી .એલ.ઓ.અને સ્કાઉટરશ્રી હેમાભાઈ પરમારના માર્ગદર્શનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સ્કાઉટ ગાઇડના બાળકો દ્વારા ગામમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બેન્ડ સાથે રેલી કાઢી 100 ટકા મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા.લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના મતાધિકાર અંગે જાગૃત બની અવશ્ય મતદાન કરે એ માટે પ્રેરણા આપતા ” હું મતદાન કરીશ, અને કરાવીશ” , ” આળસ કરીશ નહિ, મતદાન ચુકીશ નહિ”, “મતદાન લોકતંત્રનો પ્રાણ” જેવા સૂચક બેનર અને સૂત્રોચ્ચાર સાથે બાળકોએ ગામમાં રેલી યોજી ગામલોકોને મતદાન કરવા અપીલ કરી હતી. રેલીમાં ગાઇડ કેપ્ટન હેતલબેન સુથાર, ખેલ સહાયક સતીશભાઈ પ્રજાપતિ, બી.એલ.ઓ. જશોદાબેન, વર્ષાબેન, બીનાબેન, રમીલાબેન, લોકમિત્ર ફારુકભાઈ તથા અન્ય શિક્ષક ગણ જોડાયા હતા. અગાઉ પણ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગ રસિયાના રાસ ગરબા થકી બુથ પર થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ રજૂ કરી મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.