સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ખેતીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ ” વિષય પર તાલીમ યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તા- ૨૦/૦૪/૨૦૨૩ ના રોજ “ખેતીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ” વિષય પર ઓનલાઇન તાલીમ યોજાઇ. તાલીમની શરૂઆતમાં શ્રી. એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપકએ જણાવેલ કે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જૈવ ઉર્જાનો ઉપયોગ કરી ખેડૂતો વીજ ઉત્પાદન તથા ખેતી યાંત્રિકીકરણમાં ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી શકે છે. હાલના સમયમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો થકી જ ખેતીને સમૃધ્ધ બનાવી શકાશે. ત્યારબાદ ડો. વી. એમ. મોદી. આચાર્યશ્રી આર.ઈ.એન્ડ ઈ.ઈ. એ ખેતીમાં બાયોગેસ પ્લાન્ટ ,સૌર પાણી પંપ, સોલાર ઇન્સેક્ટ ટ્રેપ, એગ્રીવોલ્ટાઈક સિસ્ટમ વગેરે વિશે ખેડૂત સમુદાયને વિસ્તૃત માહિતી આપવામાં આવી. સૌર પાણી પમ્પની મદદથી ખેડૂતો પોતાના ખેતર ઉપર સૌરપેનલની મદદથી વીજળી ઉત્પન્ન કરી શકે છે. સોલાર ઇન્સેક્ટ ટ્રેપ વડે ચોમાસામાં પાકમાં જીવાતનું નિયંત્રણ કરી ઝેરી દવાઓનો ઉપયોગ ઘટાડી શકે છે. એગ્રીવોલ્ટાઈક સિસ્ટમ થકી ખેતરમાં યોગ્ય ઊંચાઈએ સોલાર પેનલ ગોઠવી ખેતીની સાથે વધુ માત્રામાં વીજળી ઉત્પન્ન કરી આવકમાં અનેક ઘણો વધારો કરી શકાય છે. ખેડૂતો વિવિધ પ્રકારના બાયોગેસ પ્લાન્ટની સ્થાપના પોતાના ખેતર ઉપર કરીને રાંધણ ગેસ સાથે કુદરતી ખાતર ઉત્પન્ન કરી પ્રાકૃતિક દિશામાં આગળ વધી શકે છે. સદર તાલીમમાં ૯૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધેલ. તાલીમના અંતમાં શ્રી તેજસ લીમ્બાચીયા સિનિયર રીસર્ચ ફેલો સૌનો આભાર માની તાલીમ પૂર્ણ જાહેર કરેલ. તાલીમનું સફળ સંચાલન ડો. હાર્દિક ડોડીયા દ્વારા કરવામાં આવેલ.